ચરોતરમાં ઉનાળુ ખેતી અંતર્ગત હાલમાં સૌથી વધુ પાણીની અને વીજળીની જરૂરીયાત છે ત્યારે જ સરકાર દ્વારા નિયમિતપણે પાણી ન આપવામાં આવતા તેમજ 14 કલાકને બદલે માત્ર છ કલાક અને તે પણ કસમયે વીજળી આપવામાં આવતા લાખો હેક્ટરમાં વાવણીનું કાર્ય અટક્યું છે. જેને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આણંદ-ખેડા જિલ્લામાં ઉનાળુ ખેતી અંતર્ગત અંદાજે 2.50 લાખ ખેડૂતો દ્વારા ડાંગર, બાજરી સહિત પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ ઉનાળુ વાવેતર સમયે 31મી માર્ચે કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવવાનું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ખેતી માટે આપવામાં આવતી થ્રી ફેઝ વીજળી 14 કલાક આપવાની સરકારે વાત કરી હતી. પરંતુ ખેડૂતોને હાલમાં માંડ 6 કલાક વીજળી મળે છે. તેના કારણે ખેતરોમાં માંડ માંડ એકાદ બે વીઘા પાણી પહોંચે ત્યાં જ વીજળી ડુલ થઇ જાય છે. તેથી ખેડૂતોને બીજા દિવસે વીજળી આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. કેટલાંક વિસ્તારમાં રાત્રે 6 કલાક વીજળી આપવામાં આવે છે પરંતુ ત્યાં રાત્રે મજૂરો મળતા નથી. તેને પગલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં કેનાલોમાં પાણી બંધ થતાં પાણી કયાંથી લાવું તે પ્રશ્ન થઇ પડશે. થ્રી ફેજ વીજળી 10 કલાક દિવસે આપવામાં નહીં આવે તો ખેડૂતો ઉનાળુ પાક લઈ નહીં શકે. જેને પગલે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં આણંદ ઉપરાંત, ઉમરેઠ, તારાપુર, ખંભાતમાં ડાંગરનું વાવેતર થાય છે. જ્યારે બોરસદ, પેટલાદ, સોજિત્રા અને આંકલાવમાં બાજરી સહિત ઉનાળુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. એ જ રીતે ખેડા જિલ્લામાં માતર, વસો, નડિયાદ વિસ્તારમાં ડાંગરનું જ્યારે ઠાસરા, કપડવંજ, કઠલાલ સહિતના વિસ્તારમાં બાજરીનું વાવેતર થાય છે. સાથે સાથે વેલાવાળા શાકભાજી, કઠોળનું વાવેતર કરવામાં આવે છે. ખંભાત અને તારાપુર વિસ્તારમાં થ્રી ફેઝ વીજળી માત્ર 6 કલાક આપવામાં આવે છે. તે પણ રાત્રિના 10 વાગ્યા બાદ અપાય છે. જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઇનું પાણી લેવા માટે આખી રાત ઉજાગરા કરવા પડે છે. રાત્રે પિયત આપેલું પાણી સવારે ખેતરો ચુસાઇ જાય છે. તેથી ડાંગરની રોપણી કરી શકતી નથી.> દિલીપભાઇ સોલંકી, ખેડૂત, માતર. એમજીવીસીએલ દ્વારા થ્રી ફેઝ વીજળી માત્ર 6 કલાક આપવામાં આવે છે. તેનો કોઇ સમય નથી. ક્યારેક દિવસે આપે કે તો ક્યારેક રાત્રે આપવામાં આવે છે. હાલમાં આણંદ પંથકમાં 3 વાગ્યા બાદ વીજળી આપવામાં આવે છે. જેથી પાણી લીધા બાદ ડાંગરની રોપણી કરવાની હોય છે. પરંતુ ત્યાં સુધીમાં સાંજ પડી જતાં મજૂરો આવતાં નથી. અમારા એક ખેતરમાં શુક્રવારે માત્ર 6 કલાક થ્રી ફેઝ વીજળી આપવામાં આવી હતી, જેમાં અડધા ખેતરમાં પાણી ફરે ત્યાં જ બંધ થઈ જાય છે.