આજના કલુષિત કાળમાં વિશ્વ ફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિર રચીને પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગ કાર્ય કર્યું છે. તેઓએ રચેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને સંસ્કૃતિના શણગાર સજે છે, જ્યાં પર્વો-ઉત્સવોની ઉજવણી દ્વારા હિંદુ સંસ્કૃતિનું સંવર્ધન થાય છે. આ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જેતપુર ખાતે ત્રિશિખરીય સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે તા. 26 માર્ચને શનિવારે સવારે 8 કલાકે ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે, સાંજે ૪ વાગ્યાથી શહેરના રાજમાર્ગો પર પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની શોભાયાત્રા નીકળશે. તા. 27 માર્ચ રવિવારે સવારે 7 કલાકે મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ, બી.એ.પી.એસ.ના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના હસ્તે સંપન્ન થશે. પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે શનિવારે સવારે ૮ કલાકે ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે, જેની અત્યારે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવવામાં આવશે. યજ્ઞમાં ત્યાગ, બલિદાન, શુભકર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થો, મૂલ્યવાન પૌષ્ટિક દ્રવ્યોને આગ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારના કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. યજ્ઞમાં હવન થયેલા પદાર્થો વાયુભૂત થઇ જીવ-પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક બને છે. યજ્ઞકાળમાં ઉચ્ચારિત વેદમંત્રોનોપુનિત ધ્વનિ આકાશમાં વ્યાપ્ત થઈ લોકોનાં અંતઃકરણનેસાત્વિક અને શુદ્ધ બનાવે છે. કુલ 132 યજ્ઞકુંડમાં 1056 યજમાનો હિંદુધર્મની વૈદિક પરંપરા સાથે આ યજ્ઞવિધિમાં જોડાશે. આ મંદિર પ્રતિષ્ઠા ઉપક્રમે આયોજિત વિશ્વશાંતિ મહાયજ્ઞ, ઠાકોરજીની શોભાયાત્રા અને પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે જેતપુર મંદિરના કોઠારી દિવ્યપુરૂષ સ્વામી, અમૃતચરણદાસ સ્વામી, વૈરાગ્યપ્રિયદા સ્વામી અને સમસ્ત સંતમંડળ તરફથી સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.