તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ધમધમતી કરાવવા નેતાગીરીનો પન્નો ટૂંકો પડે છે.

Gir - Somnath Latest

રાજ્ય સરકારે બંધ પડેલ ખાંડ ફેક્ટરીઓને ધમધમતી કરવા કોડીનારને રૂ.૩૦ કરોડ,ઉકાઈ અને વ્યારા રૂ.૩૦ કરોડ,કાવેરી અને વલસાડને પાંચ-પાંચ કરોડની આર્થિક સહાય. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઊભી કરવા સરકારે નવો ઉદ્યોગ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જ્યારે હયાત ઉદ્યોગ સહાય આપવાથી ચાલુ થઈ શકે તેમ હોય તાલાલા પંથકને ન્યાય આપવા પ્રબળ લોક માંગણી.ગુજરાતની બંધ પડેલ માંદી ખાંડ ફેક્ટરીઓને પુનઃ ધમધમતી કરવા રાજ્ય સરકારે કોડીનાર રૂ.૩૦ કરોડ,ઉકાઈ અને વ્યારા માટે રૂ.૩૦ કરોડ,કાવેરી અને વલસાડને રૂ.પાંચ-પાંચ કરોડ સહાય મંજુર કરી જયારે તાલાલા ખાંડ ફેક્ટરી માંદી રાખવી હોય તેમ રાજ્ય સરકારની સહાય યોજના માંથી તાલાલા ખાંડ ફેક્ટરીનીબાદબાકી કરી નાખવામાં આવતા તાલાલા પંથકની નબળી નેતાગીરી સામે ભારે લોક રોષ ભભૂકી ઉઠયો છે.

૧૯૭૭ માં પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શુભારંભ કરાવેલ તાલાલા ખાંડ ફેક્ટરી તાલાલા-વેરાવળ-સુત્રાપાડા-માળીયા-વિસાવદર-મેંદરડા સોરઠના છ તાલુકામાં કાર્યક્ષેત્ર ધરાવે છે,તાલાલા ગીરમાં ખાંડ ફેક્ટરી શરૂ થતાં તાલાલા પંથકના શેરડી ઉત્પાદક કિસાનો ઉપરાંત તાલાલા વિસ્તારમાં વેપાર-ધંધાને પણ અમુલ્ય લાભ પ્રાપ્ત થતાં તાલાલા પંથકની સમૃદ્ધિમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. નબળા વર્ષને કારણે રો-મટીરીયલ્સની અછત ઉભી થતા સંસ્થા બંધ પડતા આર્થિક સંકડામણના કારણે ફરી ધમધમતી કરવી મુશ્કેલ બની ગઈ ત્યારે તાલાલા પંથકની જીવાદોરી સમાન તાલાલા ખાંડ ફેક્ટરી ફરી ચાલુ કરવા સૌએ આગળ આવવું જોઈએ તેના બદલે તાલાલા પંથકની પ્રજાના મતોથી ચૂંટાઇ મોટા કદના લોકનેતા બની ગયેલ પ્રજાનો સેવકોએ તાલાલા ખાંડ ફેક્ટરી માટે રજૂઆતો કરવા પણ આળસ રાખી.

ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઊભી કરવા સરકાર નવો ઉદ્યોગ શરૂ કરે તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે જ્યારે ૨૦૦૦ ગ્રામીણ પ્રજાને રોજગારી આપતી તાલાલા ખાંડ ફેક્ટરી માત્ર સરકારી સહાયથી ધમધમતી થઈ શકે તેમ છે છતાં પણ ખાંડ ફેકટરીને સહાય માટે ડીંગો બતાવ્યો હોય,તાલાલા પંથક માટે સરકાર ઓરમાયું માનસ રાખતી હોવાની અવનવી ચર્ચાઓ થઈ રહી હોય.તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમનું તાલાલા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન ઉપરાંત ગીરના ખુલ્લા જંગલમાં વિહરતા સિંહ તથા વન્ય પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે. કમલેશ્વર ડેમમાં કાંપ ભરાવવાથી ડેમના પાણીની સંગ્રહ શક્તિ ઓછી થતી હોય,ડેમમાંથી કાંપ કઢાવવા લાંબા સમયથી માંગણી થાય છે પણ કાંપ કઢાવવા જંગલના જટિલ કાયદાનું બહાનુ બતાવી વાતને ઉડાવી દેવામાં આવે છે જ્યારે આ જ જંગલમાં આવેલ શિંગોડા ડેમ માંથી સરકાર કાંપ કઢાવે ત્યારે જંગલના જટિલ કાયદાની ફાઇલો અભેરાઈએ ચડી જાય છે.

તાલાલા પંથકને વફાદાર જાગૃત લોકો સૌનો સાથ..સૌનો વિકાસ..નો નારો તાલાલા પંથકમાં પણ લગાવવા બુલંદ માંગણી કરી રહ્યા છે. તાલાલા પંથકને અવિરત થતા અન્યાયથી આખો પંથક વિકાસથી વંચિત થતો જાય છે,સૌપ્રથમ જંગલખાતાનો સૂચિત ઈકોનો કાળો-કાયદો અન્ય તાલુકા કરતા તાલાલા પંથકમાં વધુ વિસ્તાર સુધી લગાવ્યો.આબોહવામાં વારંવાર આવતા બદલાવના કારણે કેસર કેરીના પાકનું ઉત્પાદન ઘટતું જતું હોય કેસર કેરીના પાકને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સમાવેશ કરવા ખેડૂતોની યોગ્ય માંગણીને ઠેબે મારવામાં આવી રહી છે. તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો ઘર આંગણે જ પોષણક્ષમ ભાવો થી કેરીનું વેચાણ કરી શકે માટે તાલાલા પંથકમાં સરકાર દ્વારા કેનિંગ પ્લાન્ટ બનાવવાની માંગણીનો અસ્વીકાર. ઉપરાંત તાલાલા પંથકના સર્વાંગી વિકાસ માટે અવરોધરૂપ જંગલખાતાના જટીલ કાયદા હળવા કરવા સહિતની તાલાલા પંથકને અન્યાય કરતી સમસ્યા દૂર કરી તાલાલા પંથકને ન્યાય આપવા લાંબા સમયથી માંગણી થાય છે તેનું સુખરૂપ નિવારણ આવતું નથી જેથી તાલાલા પંથકને થતાં અવિરત અન્યાયથી લોકો નિરાશ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *