અમદાવાદના 48 વોર્ડમાંથી જોધપુર વોર્ડ એવો છે જ્યાં રોજ 6.30 કલાકથી માંડી 20 કલાક સુધી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ શહેરમાં 24 વોર્ડ એવા છે જ્યાં માત્ર અઢી કલાક પાણી આપવામાં આવે છે. 14 વોર્ડમાં રોજ 2 કલાક જ્યારે 9 વોર્ડમાં માંડ પોણા બે કલાક પાણી પૂરું પડાય છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. 5 વોર્ડ એવા છે જ્યાં આજે પણ ટેન્કરથી પાણી અપાય છે. જોધપુરમાં 24 કલાક પાણી આપવાની યોજના હેઠળ ત્યાં નવું નેટવર્ક નાખવામાં આવ્યું છે. આ નેટવર્કની ડિઝાઇન એવી છે કે, જો ત્યાં 2 કલાક પાણી આપવું હોય તો આ ડિઝાઇનમાં પાઇપ નાની હોવાથી વધારે કલાક પાણી આપવું પડે તેમ છે. – પી.એ. પટેલ, એડિશનલ સિટી ઇજનેર, વોટર પ્રોજેક્ટ શહેરમાં મક્તમપુરા, બહેરામપુરા, રામોલ, હાથીજણ અને લાંભા એમ પાંચ વોર્ડ એવા છે જ્યાં આજે પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યાં ગેરકાયદે વસવાટ બન્યા હોય તેમજ જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનું નેટવર્ક નાખવામાં ન આવ્યું હોય તે વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. સામાન્ય રીતે ડબલ્યુએચઓના ધારાધોરણ પ્રમાણે એક નાગરિકને 160 થી 170 લીટર જેટલો પાણીનો જથ્થો જોઇએ. તે ધ્યાને લઇએ તો અમદાવાદ શહેરમાં એક કરોડ નાગરિકોને પાણી મળી રહે તેટલો જથ્થો પ્રતિદિન શહેરમાં વહેંચવામાં આવે છે. જોકે અયોગ્ય ડ્રિસ્ટ્રિબ્યુશનને કારણે શહેરમાં અનેક વિસ્તારમાં આજે પણ પાણી મળતું નહીં હોવાની ફરિયાદ છે.