રાજકોટ શહેરના માધાપર ચોકડીએ 63 કરોડના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજમાં પાયામાં ડિઝાઈનમાં દર્શાવેલા 25 એમએમ લોખંડને બદલે તેનાથી નબળું 20 એમએમનું લોખંડ વાપરી બ્રિજની તાકાત 40 ટકા જેટલી ઘટાડી દીધી અને તે પણ રૂપિયા રળી લેવા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની ટીમે 15 ફૂટ ઊંડા પાયા સુધી પહોંચીને સળિયાના માપ લઈને કર્યો હતો. જોકે સ્થળ પર વધુ તપાસ કરતા ફૂટિંગ એટલે કે પાયાના ચારેય તરફ એક એક 25 એમએમનો સળિયો દેખાયો હતો આ સળિયો મજબૂતી માટે નહિ પણ તપાસથી બચવા માટે નાખવામાં આવ્યો છે. પાયામાં નબળા લોખંડ નાખ્યા બાદ ભવિષ્યમાં કોઇ ચેકિંગ આવે તેના માટે શું કરવું તેનુ આયોજન પણ ભ્રષ્ટાચારીઓએ કરી લીધું હતું. જે મુજબ ચારેય ખૂણામાં એક એક 25 એમએમનો સળિયો રાખી કોંક્રીટ ભરી દેવાનું જેથી ભવિષ્યમાં જ્યારે તપાસ આવે ત્યારે સળિયો પૂરતી જાડાઈ વાળો છે તે બતાવવા માટે ખૂણા પરનું કોંક્રીટ તોડીને તે સળિયો બતાવી શકાય અને તપાસનો નિલ રિપોર્ટ ભરાઈ જાય. આ કૌભાંડનું આયોજન સરકારી ઈજનેરોના માર્ગદર્શનમાં થઈ રહ્યું હતું તેની સાબિતી આ યુક્તિ જ આપી રહી છે કારણ કે, એન્જિનિયરને જ ખબર હોય છે કે તપાસ ક્યારે આવે અને જો આવે તો કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં ક્યાં કોંક્રીટ તોડી નિલ રિપોર્ટ ભરી શકાય!