પંચાયત સેવા મંડળ દ્વારા મદદનીશ સિવિલ ઇજનેરની ભરતીમાં માત્ર ડિપ્લોમા ઉમેદવારો જ અરજી કરી શકે તેવો ઉલ્લેખ જાહેરાતમાં કરાયો છે. આથી ડિગ્રીધારક સિવિલ ઇજનેર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આથી ડિગ્રીધારી ઉમેદવારોની અરજી માન્ય રાખવા ઉમેદવારોએ માંગણી સાથે પંચાયત સેવા મંડળમાં રજૂઆત કરી છે. રાજ્યભરની જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી સિવિલ ઇજનેરની ભરતી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સિવિલ અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3ની કુલ-355 જગ્યાની ભરતીની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સિવિલ અધિક મદદનીશ ઇજનેર ક્લાસ-3ની ભરતીમાં લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ ઇજનેર અને ડિપ્લોમા ટુ ડિગ્રી નક્કી કરવામાં આવી છે. જ્યારે બેચલર ઓફ સિવિલ ઇજનેરની ડિગ્રીધારકોને તક અપાઈ નથી. આથી ડિગ્રીધારી સિવિલ ઇનજેર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. જોકે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવે છે. ત્યારે લઘુતમ લાયકાતથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ અરજી કરવાની તક મળતી હોય છે. પરંતુ જિલ્લા પંચાયતોમાં સિવિલ અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3ની જગ્યા માટે ડીગ્રી ધારક ઉમેદવારોને અરજી કરવાની તક આપવામાં નહી આવતા રોષ ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ-2016-17માં પંચાયત સેવા મંડળ દ્વારા અમઇ ક્લાસ-3ની પરીક્ષામાં બેચલર ઓફ સિવિલ ઇજનેરની લાયકાતવાળા ઉમેદવારોને અરજી કરવાની તક આપવામાં આવી હતી. ઉપરાંત જીપીએસસી દ્વારા લેવાતી ટેકનીકલ ક્લાસ-3ની પરીક્ષામાં પણ ડિપ્લોમા તેમજ ડીગ્રી ધારકોને પણ સમાન તક આપવામાં આવે છે. પરંતુ પંચાયત સેવા મંડળ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી ભરતીમાં આવી વિસંગતતા કેમ તેવા પ્રશ્નો સિવિલ ઇજનેરની ડીગ્રી ધરાવતા ઉમેદવારોમાં ઉઠવા પામ્યા છે. જો ડીગ્રી ધારક ઉમેદવારોને તક આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.