વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ 12500 કરવામાં નહી આવે ત્યાં સુધી ઉમેદવારો લડત આંદોલન ચાલુ રાખશે. ઉપરાંત ગાંધીનગર નહી છોડે તેવી ચીમકી સાથે ઉમેદવારોએ સતત ત્રીજા દિવસે પણ લડત ચાલુ રાખતા તંત્રની નિંદર હરામ બની છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 18000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં તેની સામે 60 ટકા જગ્યાઓ ભરવાનો ફરજિયાત શિક્ષણના કાયદામાં જોગવાઇ કરી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં 3300 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. જેને પરિણામે વિદ્યાસહાયક ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે. વિદ્યાસહાયકની ભરતીની જગ્યાઓ 12500 કરવાની માંગણી સાથે ઉમેદવારોએ લડત આંદોલન તેજ કર્યું છે. વિદ્યાસહાયકના ઉમેદવારોએ પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદનપત્ર આપ્યા હતું. ત્યારબાદ બીજા દિવસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિદ્યાસહાયકની જગ્યાઓ વધારવાની માંગણી કરી હતી. જ્યારે વિદ્યાસહાયક ઉમેદવારોની લડતના ભાગરૂપે ત્રીજા દિવસે પણ ગાંધીનગરમાં અડિંગા જમાવ્યા છે. રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા 70 જેટલા વિદ્યાસહાયકના ઉમેદવારોએ જ્યાં સુધી જગ્યાઓ વધારવામાં નહી આવે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવાની ચીમકી વિદ્યાસહાયકના ઉમેદવારોએ ઉચ્ચારી છે. વિદ્યાસહાયકોની લડતમાં પાટીદાર આંદોલનના સપોર્ટ આપ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે. વિદ્યાસહાયકની જગ્યાઓ વધારવાની લડત આંદોલનમાં ભાગ લેનાર એક બનાસકાંઠાનો એક ઉમેદવારના ચંપલ તુટેલા હોવાથી તેને દોરી બાંધીને ચલાવી રહ્યા છે. ઉપરાંત એક જ ચાદરનો ઉપયોગ ઓઢવા, પાથરવા અને શરીર લુછવા કરી રહ્યો છે. જ્યારે અન્ય ઉમેદવારો બે જોડ કપડાં સાથે ગાંધીનગરમાં જ ધામા નાંખ્યા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગ સાથેની લડતમાં પાટણ જિલ્લાનો ગોલ્ડ મેડાલિસ્ટ ઉમેદવાર પણ લડતમાં જોડાયો છે. તેણે એમએમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ ઉપરાંત જ્યાં સુધી ઉકેલ આવે નહી ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.