ધો.૧૦ અને ધો.૧૨ની ૨૮ માર્ચથી શરુ થનારી બોર્ડ પરીક્ષાઓનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે.બોર્ડ પરીક્ષાના કેન્દ્રો તરીકે પસંદ થયેલી સ્કૂલો પર પરીક્ષા માટે તૈયારીઓ ચાલી રહી છે. જોકે બોર્ડ પરીક્ષા અગાઉ વડોદરા જિલ્લાના કેટલાક પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવતા હોય છે.જોકે આ વખતે બોર્ડ પરીક્ષા માટે જિલ્લાના એક પણ કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યુ નથી.ડીઈઓ કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, દરેક કેન્દ્ર પર સીસીટીવીથી નજર રાખવામાં આવતી હોવાથી સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરવાની નીતિ પડતી મુકવામાં આવી છે. હાલમાં દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી બરાબર કામ કરે છે કે કેમ તેની ચકાસણી ચાલી રહી છે.સ્કૂલોને ૨૫ માર્ચ સુધીમાં સીસીટીવીની ચકાસણી પૂરી કરી લેવા માટે આદેશ અપાયો છે. ૨૭ માર્ચથી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રુમ પણ કાર્યરત થઈ જશે.જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલી હોય તો ફરિયાદ કરી શકશે.કંટ્રોલ રુમ કાર્યરત કરવા માટે ડીઈઓ કચેરી ખાતે આજે એક બેઠકનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઈન્ચાર્જ ડીઈઓ નવનીત મહેતાના કહેવા પ્રમાણે સંવેદનશીલ કેન્દ્રો ભલે જાહેર ના કરાયા હોય પણ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્ર પર સરકારના વર્ગ એક અથવા વર્ગ બેના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૨ના વિજ્ઞાાન પ્રવાહના ૬૫૩૫ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.વિજ્ઞાાન પ્રવાહ માટે ૩૬ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવનાર છે.આમ ૩૬ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવશે.