વાયુ પ્રદુષણને અંકુશમાં લેવા માટે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને ૮૦ ટકા કોલસા અને ૨૦ ટકા એમોનિયાનો ઉપયોગ કરી ને ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રીતે એકવાર પાવર પ્લાન્ટ ચાલુ કર્યા પછી એમોનિયાનો વપરાશ વધારતા જઈને આખરે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને સો ટકા એમોનિયાથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૂપાંતરિત કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના કોલસાથી ચાલતા આઠ જેટલા પાવર પ્લાન્ટમાં આજની તારીખે માંડ ૩૦થી ૩૫ ટકા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતની વીજળીની જરૂરિયાત સંતોષવા માટે ખાનગી ઉત્પાદકો પાસેથી હાજર ભાવથી ઊંચી કિંમત ચૂકવીને વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. આ આયોજનનો અમલ કરવામાં વાજબી ખર્ચ થતો હશે તો ભારે પ્રદુષણ ફેલાવતા કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને મિશ્ર ઇંધણથી ચાલતા પ્લાન્ટમાં રૂપાંતરિત કરીને તેને ભંગારમાં જતાં બચાવી શકાશે. એમોનિયાનો ઉપયોગ કરવામાં આવતા હવામાં ભળતા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ઘટાડો થશે. બીજું, કોલસાની કેલરિફિક વેલ્યુ કે હિટ વેલ્યુ કિલોદીઠ ૪૦૦૦થી ૫૦૦૦ કેલરીની આસપાસની છે. તેની સામે એમોનિયા જેટલો વધુ પ્યોર તેટલી તેની કેલરીફિક કે હિટ (ગરમી જનરેટ કરવાની ક્ષમતા) વેલ્યુ આવે છે. સામાન્ય રીતે એમોનિયાની કેલરીફિક વેલ્યુ કિલોદીઠ ૬૦૦૦ની છે. જે કોલસા કરતાં સારી છે. ટાટા પાવર અને અદાણી પાવરનો મુન્દ્રા ખાતે ૪૦૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ છે. એસ્સારના પણ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ છે. ખાનગી કંપનીઓ પણ કોલસા અને એમોનિયાના મિશ્રણથી અત્યારે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટનું મિશ્ર ઇંધણથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૂપાંતર કરવાનું આયોજન કરી શકે છે. તેમાં કોલસાની સાથે ૨૦ ટકા જેટલો એમોનિયા ભેળવીને વીજળી પેદા કરવી શક્ય છે કે નહિ તેનો અભ્યાસ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીજળી પેદા કરવા માટે આરંભમાં ૨૦ ટકા જેટલા પ્રવાહી એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ તેનું પ્રમાણ વધારવામાં આવશે. સમય જતાં કોલસા આધારિત આખા પ્લાન્ટને એમોનિયાથી વીજળી પેદા કરતાં પ્લાન્ટમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાયલના ધોરણે થોડી વીજળી પેદા કરવામાં આવી રહી છે. તેમાં આંશિક સફળતા મળી ચૂકી છે. આ સફળતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાઈડ્રોજન સંલગ્ન ટેક્નોલોજીને કેન્દ્રમાં રાખીને પણ આ પ્રકારનો અભ્યાસ કરવાનું આયોજન છે.