રખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત, તમામને ટેગ લગાવાશે; 5થી 20 હજાર દંડ.

Gandhinagar Latest

રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાની સમસ્યાના ઉકેલ માટે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે. શહેરી વિસ્તારોમાં ગમે ત્યાં ઘાસનું વેચાણ થઇ શકશે નહીં. સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસચારાનું વેચાણ થઇ શકશે. બિલની જોગવાઇ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પ્રથમવાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ છે. બીજીવખત આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધીની કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે. ​​​​​​​બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા પણ સૂચિત કરાઇ છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહને બાળવા કે દફનાવવા માટેની જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ (ઇન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરાશે.

​​​​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *