ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો માટે 197.90 કરોડના ખર્ચે ખરીદ્યું હતું. રાજ્ય સરકારે આ વિમાન ખરીદવા માટે 26 ઓગસ્ટ 2019ના રોજ મંજુરી આપવામાં આવી હતી. આ વિમાન સરકારને 21 નવેમ્બર 2019ના રોજ મળ્યું હતું. હવે નવી સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં પ્રથમ વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે સરકારે ખરીદેલા નવા વિમાનના મેઈન્ટેનન્સ માટે ઈન્ડામર એવિએશન પ્રા.લિ. અને ઓપરેશન ખર્ચ માટે રેયમન્ડ લિમિટેડને 19.53 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.રાજ્ય સરકારે કેમ નવું વિમાન લેવું પડ્યુ. 26 ઓગસ્ટ પહેલાનું સરકારનું વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગ 20 વર્ષ જૂનું છે. જેમાં રિફ્યુલિંગની સમસ્યા હતી.તેના લીધે એક ઉડાનમાં લાંબું અંતર કાપી શકાતું નહોતું.આ વિમાનની મહત્તમ ક્ષમતા 9ની હોવા છતાં તેમાં ચારથી પાંચ વ્યક્તિ જ પ્રવાસ કરી શકતા હતા. જેના કારણે લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે સરકાર દ્વારા નવું વિમાન ખરીદવાનો નિર્ણય કરાયો હતો. બીચક્રાફ્ટ સુપરકિંગને 2500 કિમીનું અંતર કાપતા અંદાજે પાંચ કલાકનો સમય લાગતો હતો. જેની સરખામણીમાં નવું વિમાન માત્ર ત્રણ કલાકમાં આટલું અંતર કાપી લેશે.12 યાત્રીઓને લઈને એક વખતમાં લગભગ 7000 કિમી લાંબી યાત્રા કરી શકે છે. તેની સ્પીડ 870 કિમી પ્રતિ કલાક છે. આ પ્લેન નવેમ્બર 2019ના અંત ભાગમાં ગુજરાત આવી પહોંચ્યું હતું, અને તેને અમદાવાદના એરપોર્ટમાં ગુજસેલના હેંગરમા રાખવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આ પહેલા બીચક્રાફ્ટ સુપર કિંગ બી200 પ્લેન વાપરવામાં આવતું હતું, જે 20 વર્ષ જૂનું હતું. નવું પ્લેન ચલાવવા માટે ચાર પાઈલટને પણ તેની તાલીમ આપવામાં આવી છે. આ પ્લેન સાત હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે, અને તે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવા માટે પણ સક્ષમ છે.સૂત્રોનું માનીએ તો તેમાં લક્ઝુરિયસ સિટિંગથી લઈને કમ્ફર્ટેબલ રિક્લાઈનિંગ સીટ્સ, સોફા જેવી આધુનિક સવલતો છે.