શહીદ દિનની સાંજે દેશભક્તિનો રંગ છવાયો : વેરાવળમાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” નીકળી, રાષ્ટ્રપ્રેમી યુવાનો-સ્થાનિકો સ્વયંભૂ જોડાયા.

Gir - Somnath Latest

શહેરના યુવાનોએ શહીદ દિન નિમિત્તે તિરંગા યાત્રાનું અનેરું આયોજન કર્યુ. બુધવારે શહીદ દિવસને લઈ વેરાવળના રાજમાર્ગો પર 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” દેશભક્તિ સભર માહોલમાં નીકળી હતી. શહેરના યુવાનો દ્વારા શહીદ દિવસને લઈ આ અનેરું આયોજન કરાયું હતું, જેને શહેરીજનોએ આવકાર્યુ હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા સ્વયંભૂ જોડાયા હતા.23 માર્ચ એટલે કે શહીદ દિવસે દેશ માટે બલીદાન આપનારા શહીદોના બલિદાનને યાદ કરી દેશભરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. જેના અંતર્ગત ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં શહેરના યુવાનો દ્વારા શહીદ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે સાંજે શહેરની ખાનગી સામાજીક સંસ્થા અરાઈઝ ક્લબના નેજા હેઠળ શહેરના યુવાનો દ્વારા 75 મીટર લાંબા ત્રિરંગાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર પસાર થઈ ત્યારે રાષ્ટ્રભક્તિનું અનેરું વાતાવરણ ખડું થયું હતું.તિરંગા યાત્રાના આયોજક યુવકના જણાવ્યા મુજબ સાંપ્રત સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે શહીદોની શોર્યતા પ્રબળ બને તેવા ઉદ્દેશ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા પોતાની રાષ્ટ્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર બે કલાકથી વધુ સમય સુધી ફરી હતી. ત્યારે રસ્તામાં ઠેર ઠેર યાત્રાને માનભેર લોકોએ સ્વયંભૂ આવકારી સ્વાગત પણ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *