ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં જ પાણીના વપરાશમાં 10 એમએલડીનો વધારો, આગામી દિવસોમાં તીવ્ર વધારો નોંધાશે.

Gandhinagar Latest

ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થવાની સાથે જ ગાંધીનગરમાં પાણીના વપરાશમાં પણ 10 એમએલડીનો વધારો થયો છે. આમ ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં પાણીનો વપરાશ ટોટલ 65 એમ.એલ.ડી નોંધવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં તીવ્ર વધારો પણ નોંધાશે તેમ પાટનગર યોજના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે ગાંધીનગરમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ પણ છે. ઘડીક વારમાં સૂર્યદેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે તો પળવારમાં વાદળ પણ છવાઈ જાય છે. જેનાં કારણે બેવડી ઋતુ જેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભમાં પાણીના દૈનિક વપરાશમાં 5થી 10 એમ.એલ.ડીનો વધારો થઈ ચૂક્યો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પાણીનો દૈનિક વપરાશ વધવા લાગ્યો છે. દરેક ઘર સુધી યોગ્ય દબાણથી પાણી પહોંચાડવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાટનગર યોજના વિભાગ દ્વારા ગાંધીનગર શહેર વિસ્તારમાં પીવા માટે નર્મદા નદીના પાણીમાં સેક્ટરના બોરના પાણી મિક્સ કરીને પાણી પુરવઠો આપવામાં આવે છે. પાણી વિતરણની વાત કરીએ તો સેક્ટરોના વર્ષો જૂના બોર રાત્રે ચલાવવામાં આવે છે અને તેના પાણીથી મેઇન લાઇનો ભરવામાં આવ્યા બાદ સવારે નિયત સમયે ત્રણ સ્થળોએ બાંધવામાં આવેલી ઉંચી ટાંકીઓમાંથી નર્મદા કેનાલમાંથી મેળવવામાં આવેલુ પાણી દબાણપૂર્વક છોડવામાં આવે છે. પાટનગર યોજના વિભાગ દ્વારા નર્મદાનું પાણી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ પાસેથી ખરીદવામાં આવે છે. જેને શુદ્ધિકરણ પ્લાન્ટમાં પહોંચાડીને શુદ્ધ કરવા સાથે જરૃરી માત્રામાં ક્લોરિનેશન પણ કરવામાં આવે છે. કાળઝાળ ગરમીના દિવસોમાં પાણીજન્ય રોગચાળાની ભીતી રહે નહીં તેના માટે ક્લોરિનેશનનું પ્રમાણ વધારવામાં પણ આવે છે. શહેરભરમાં પુરા દબાણથી પાણી પહોંચે તેના માટે અગાઉ બે ઝોન પાડીને સવારે અને સાંજે પાણી આપવામાં આવતું હતું. ત્યારબાદ સેક્ટર-5માં ઉંચી ટાંકી બાંધવામાં આવી અને તેના પગલે સમગ્ર શહેરમાં સવારના સમયે જ પાણી વિતરણની સુવિધા ઉભી કરાઇ હતી. હવે ગરમીની શરૃઆત થવાની સાથે કોઇ છેવાડાના વિસ્તાર કે ઘરમાં પણ ઓછા દબાણથી પાણી આવવાની ફરિયાદ ન રહે તેના માટે પાણીનો વધુ જથ્થો ઉપાડીને વધુ સપ્લાય આપવાનું શરૃ કરવામાં આવ્યું છે. જેના પગલે નગરમાં આપવામાં આવતા પાણીનો જથ્થો 65 એમએલડી પર આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *