અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 12 જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો તેમની સામે યાર્ડના ખુલ્લા બજારમાં લોકવન, ટુકડા અને બસી ઘઉંની મબલક આવક થઈ રહી છે. રજીસ્ટ્રેશન ઘટવાનું કારણ ઓણસાલ જિલ્લામાં ઘઉંનું વાવેતર ઓછું થયું હોવાની ધારણા તંત્ર વ્યક્ત કરી રહ્યું છે.જિલ્લાભરમાં એક એપ્રીલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ થશે.એક તરફ અમરેલી જિલ્લામાં અત્યારે ચણા ટેકાના ભાવે ચણા ખરીદી કરવામાં આવી રહી છે. અત્યારે જિલ્લામાં પ્રતિ મણના રૂપિયા 403ના ટેકાના ભાવે ઘઉંના રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફત તથા પુરવઠા નિગમના ગોડાઉન ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જિલ્લામાં છેલ્લા 22 દિવસથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં અમરેલીમાં 5, ધારીમાં 4, વડીયામાં 1 અને બગસરામાં 2 ખેડૂતોએ જ ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અમરેલી પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું કે જિલ્લાના અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા, બાબરા અને વડીયા અને બગસરા બંને તાલુકાની વડીયા ગોડાઉન ખાતે ઘઉં ખરીદીનું આયોજન કરાયું હતું. પરંતુ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 12 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ત્યારે જે તાલુકામાં રજીસ્ટ્રેશન થશે. ત્યા જ ખરીદી સેન્ટર શરૂ કરાશે. હજુ પણ ખેડૂતો 31 માર્ચ સુધી ટેકામાં ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગત વર્ષ કરતા પણ ઓણસાલ ટેકાના ભાવે ઘઉંમાં રજીસ્ટ્રેશન ઓછું છે. રજીસ્ટ્રેશન જોતા જિલ્લામાં માત્ર એક થી બે જ દિવસમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીની પૂર્ણાહુતી થશે.