સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. તાજેતરમાં જ દીપડા દ્વારા બકરીનું મારણ કરાયું હતું. જે બાદ બહાદરપુરની એનિમલ રેસક્યુ ટીમ અને જંગલખાતા દ્વારા અહિંયા પીંજરુ મુકાયું હતું. આ નાણાકિય વર્ષમાં સંખેડા તાલુકાનો આ ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાં તાજેતરમાં દીપડા દ્વારા એક બકરીનું મારણ કરાયું હતું. આ બાબતે બહાદરપુરની એનિમલ રેસ્ક્યુ ટીમ અને જંગલખાતાને જાણ કરી હતી. એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા આ જગ્યાનું નિરિક્ષણ કરાયું હતું. જેમાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. જંગલખાતાની ટીમ દ્વારા અહિયા પીંજરુ મુકવામાં આવ્યું હતું. જે પીંજરામાં વહેલી સવારે દીપડો આવી ગયો. દીપડો ઝડપાઇ ગયાની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો અહિયા દીપડાને જોવા માટે દોડી આવ્યા હતા. પાંજરે પુરાયેલા દીપડાને જંગલખાતાની હાંડોદ ખાતેની નર્સરીમાં લઇ જવામાં આવ્યો હતો. અત્રે ફરજ પરના વેટરનરીએ દીપડાનું નિરિક્ષણ કર્યું હતું. નિરિક્ષણ બાદ જણાવ્યું કે, ‘પીંજરે પૂરાયેલ દીપડો નર છે. તેમજ આશરે ત્રણ વર્ષનો હશે. દીપડાને જંગલ ખાતાની વડી કચેરીની સૂચના મુજબ નૈસર્ગીક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. જંગલખાતાના કર્મચારીઓ સવારે 9-15 વાગ્યા સુધી પહોચ્યા નહોતા. ગ્રામજનો દીપડાના પાંજરાને કોતર પાસેથી આગળ આશરે 150 મીટર સુધી પીંજરુ ખેંચીને બહાર લાવ્યા હતા.