ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં કાર્યરત સિવીલ હોસ્પિટલમાં દરરોજ 6 તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવે છે. ત્યારે આ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અને આરોગ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સિવીલમાં સીટી સ્કેન મશીનની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા સોમનાથના ધારાસભ્યએ વિધાનસભાના સત્ર દરમિયાન માંગ ઉઠાવી હતી. આ પ્રશ્નની વિધાનસભામાં સોમનાથના ધારાસભ્યએ રજૂઆત કરતા કહ્યુ કે, વેરાવળ સોમનાથ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાના 350થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ સરેરાશ 500 થી 700 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે જિલ્લા કક્ષાની સીવીલ હોસ્પિટલમાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ન હોવાથી જરૂરીયાતમંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે. તો ક્યારેક ઇમરજન્સીમાં આવતા દર્દીઓને સીટી સ્કેન કરાવવાની જરૂર પડે ત્યારે ગામમાં ખાનગી હોસ્પીટલમાં જવું પડે છે. આ એક રીપોર્ટ પાછળ જ દર્દીના પરીવારને અંદાજે ચાર થી પાંચ હજાર જેટલો ખર્ચ ભોગવવો પડે છે. આ ઉપરાંત સિવીલમાંથી એક રીપોર્ટ કરાવવા બહાર લઈ જવા અને ફરી પરત લાવવાનો પણ ખર્ચ થાય છે. આમ બેવડા ખર્ચનું ભારણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડતુ હોવાથી વધુ મુશ્કેલીમાં મુકાય છે. જો સિવીલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ હોય તો દર્દીઓના સમય અને પૈસાની બચત તો થશે જ સાથે સાથે એક જ સ્થળે ત્વરીત સારવાર મળી જવાથી દર્દીઓના પરીવારજનોની મુશ્કેલીનો પણ અંત આવશે. રજૂઆતમાં વધુમાં જણાવાયું કે, કોરોનાની સારવારમાં પણ સીટી સ્કેનના રીપોર્ટની ખાસી જરૂરીયાત જણાઈ હતી. તો અમુક સારવારમાં સીટી સ્કેનની જરૂરીયાત રહેતી હોવાથી એવા દર્દીઓને ફરજીયાત ખાનગીમાં રીફર કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને ધ્યાને લઇ સિવીલ હોસ્પીટલમાં સીટી સ્કેનનું તથા એમ.આર.આઇ. મશીન તાત્કાલીક ધોરણે મુકાવી સારવાર શરૂ કરાવવા અન્ય જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી.
Home > Saurashtra > Gir - Somnath > વેરાવળની સિવીલ હોસ્પીટલમાં સીટી સ્કેન અને એમ.આર.આઈ.ની સારવાર માટે મશીન ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યએ માંગ કરી.