યાત્રાધામ પાવાગઢના માચી અને ડુંગર ઉપર ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં લોકોમાં પાણી પુરવઠા વિભાગ અને પંચાયતના વહીવટ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી ડુંગર સહિત મંદિર સુધી પાણી નહીં પહોચતા સ્થાનિક સાથે દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે. કોરોના કાળ પછી બે વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી ઉજવણી થશે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવશેનું ગણિત મંડાય છે. પણ નોરતા પુર્વે જ પાવાગઢમાં પાણીની વિકટ સમસ્યાને લઈ દિવ્ય ભાસ્કરની ટીમે પાણી વિતરણના સ્પોટનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.પાવાગઢમાં માચી સુધી પાણી પુરવઠાતંત્ર અને માંચીથી ડુંગર સુધી પાણી પહોંચાડવાની પંચાયતની જવાબદારી છે. તમામ પંપીંગ સ્ટેશનોમાં એક પણ મોટર સ્પેરમાં ન હોવાથી ગમે ત્યારે મોટર ખોટકાય તો ત્રણથી ચાર દિવસ પાણીનો પુરવઠો સંદતર બંધ થઈ જાય છે. યાત્રાધામ પાવાગઢમાં માચી અને ડુંગર ઉપર 700 ઉપરાંત પરિવારો નાનો મોટો વ્યવસાય કરે છે. જેમને હાલોલ સ્થિત જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ દ્વારા પાઇપલાઇનથી પાણી પુરવઠો અપાય છે.સામાન્ય રીતે રોજના એક લાખ લિટર પાણીની જરૂરિયાત રહે છે. જ્યારે રજાઓના દિવસે દર્શનાર્થીઓની વધુ આવન જાવન હોય ત્યારે વધુ 50 હજાર લિટર પાણીની જરૂરિયાતને પહોંચી વળવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ડુંગરના પાછલા ભાગમાં આવેલ રાણીપુરામાં આવેલ 10 લાખ લિટરના સંપમાંથી પ્રેસર આપી પાણીને માચી સંપ સુધી મોકલાયછે અને ત્યાંથી મંદિર સુધી પહોંચાડાય છે.ચૈત્રી નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે મંદિર સુધી પાણી પુરવઠો નિયમિત નહીં થાય તો નવરાત્રી દરમિયાન લાખો દર્શનાર્થીઓ માટે જળસંકટ ઉભું થશે તો નવાઈ નહીં. હાલમાં તો રહીશો પીવાનું પાણી 15 લિટરના 20 રૂપિયા ખર્ચી વેચાતું લઈ રહ્યાં છે.
Home > Madhya Gujarat > Halol > યાત્રાધામ પાવાગઢમાં જ પાણીની પળોજણ, પીવા માટે 15 લિટર પાણીના રૂ. 20 ચૂકવવાનો વારો.