અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા વસી રહેલા સાવજો માટે ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તકલીફ ઉભી થઇ છે. લીલીયા પંથકના 40થી વધુ સાવજોના ગૃપને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા અહી તમામ 39 પાણીના પોઇન્ટ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જે પૈકી પાણીના 15 પોઇન્ટ બે દિવસમા જ શરૂ થશે.દાયકાઓથી પાણીની અછત ભોગવતા અમરેલી પંથકમા માણસો માટે તો મહિ પાઇપ લાઇન યોજના થકી તેનો ઉકેલ શોધાયો છે પરંતુ સાવજો સહિતના વન્યપ્રાણીઓને દર ઉનાળામા પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. ખાસ કરીને લીલીયા પંથકના સાવજો માટે ઉનાળો કપરો હોય છે. કારણ કે આ ખારાપાટ વિસ્તારમા શેત્રુજી કે ગાગડીયો નદીના પટમા પાણી ભરેલુ હોય તો પણ એ પીવા લાયક હોતુ નથી. ચોમાસુ વિત્યાને લાંબો સમય થયો છે ત્યારે હાલમા આ બંને નદીના પટમા ભરેલુ પાણી અહીની ધરતીમા રહેલા ક્ષારના કારણે ભાંભળુ અને કડવુ થઇ ગયુ છે. જે સાવજો કે અન્ય વન્યપ્રાણીઓ પી શકતા નથી. હાલમા સાવજો પાણી માટે કોઇપણ ગામમા ઘુસી જાય છે અને પશુઓ માટે બનાવેલા અવેડાનુ પાણી પણ પી લે છે. લીલીયા પંથકમા વનવિભાગના પાણીના 39 કૃત્રિમ પોઇન્ટ આવેલા છે. જયાં હાલમા પાણી ભરવામા આવતુ નથી. પવનચક્કીના પોઇન્ટ પણ ખાલીખમ છે. ઉનાળાના પગરણ થઇ ચુકયા છે તેવા સમયે હવે સાવજોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે વનવિભાગે પાણીના કૃત્રિમ પોઇન્ટ ચાલુ કરવા ગતિવિધી હાથ ધરી છે. હાલમા વનવિભાગ દ્વારા અહીના 15 કૃત્રિમ પોઇન્ટની સાફ સફાઇ પુર્ણ કરી લેવામા આવી છે. અને આગામી બે દિવસમા જ આ કૃત્રિમ પોઇન્ટ શરૂ થઇ જશે. જયારે બાકીના પોઇન્ટ આવનારા સમયમા કાર્યરત કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે લીલીયા પંથકમા 40થી વધુ સાવજોનુ એક વિશાળ ગૃપ વસવાટ કરી રહ્યું છે. એટલુ જ નહી આ વિસ્તારમા કાળીયારની પણ મોટી વસતિ છે. નિલગાય તથા અન્ય વન્યપ્રાણીઓ માટે પણ પાણીના આ કૃત્રિમ પોઇન્ટ ઉપયોગી છે.
