અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે ચૂકવાયા. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની જ વાત કરીએ તો અહીં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે માલિકોને ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતના કુલ પાંચ જિલ્લામાં કુલ 2935.85 કરોડ રુપિયા વળતર પેટે આપવામાં આવ્યા છે તેવી જાણકારી સામે આવી છે. ગુજરાત માટે મહત્ત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રાજ્યના 5 જિલ્લા જેમ કે, અમદાવાદ, વડોદરા, ખેડા, નવસારી, આણંદમાંથી આશરે 360 હેકટર જમીન સંપાદન કરવાની હતી.આ પૈકી આશરે 358 હેક્ટર જમીન સંપાદન થઇ જતા તેના વળતર પેટે કુલ રૂ. 3060 કરોડ ચુકવવામાં આવ્યું હોવાનું વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું. હવે 5 જિલ્લામાંથી એકાદ હેકટર જમીન સંપાદન કરવાની બાકી છે.સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 1108 કરોડ, વડોદરામાં 882 કરોડ,ખેડામાં 967 કરોડ, નવસારી માં 416 અને આણંદમાં 222 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એકલા અમદાવાદ જિલ્લામાં જ હજી 7,203 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની બાકી છે. આ પૈકી 1,446 ચોરસમીટર જમીન સાબરમતી વિસ્તારમાં અને 5,757 ચોરસ મીટર જમીન ઘાટલોડિયા વિસ્તારમાં હજી સંપાદન થઈ નથી. વિધાનસભામાં આ માહિતી જાહેર થઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ દસક્રોઈ તાલુકામાં 90,195 ચોરસમીટર, વટવા તાલુકામાં 35,479 ચોરસમીટર અને અસારવા તાલુકામાં 11,931 ચોરસમીટર જમીનો સંપાદન થઈ છે. આ ત્રણે તાલુકામાં હવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની બાકી નથી. જ્યારે સાબરમતીમાં 28,027 ચોરસમીટર તથા ઘાટલોડિયામાં 98,682 ચોરસ મીટર જમીનો અત્યાર સુધી સંપાદન કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી જે 2,63,314 ચોરસ મીટર જમીનો સંપાદન થઈ છે તે પેટે રૂ. 1,108.45 કરોડનું વળતર ચૂકવાયું છે. વડોદરા જિલ્લામાં પણ હજી 15,200 ચોરસ મીટર તથા નવસારી જિલ્લામાંય 1,821 ચોરસમીટર જમીનો સંપાદન કરવાની બાકી છે.