જળ અભિયાનનો પ્રારંભ:મુખ્યમંત્રીએ કહ્યું, “વડાપ્રધાને જળશક્તિને જનશક્તિ સાથે જોડી ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું”

Gandhinagar Latest
  • સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ
  • કોલવડા ગામે તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું
  • આ વર્ષે જળ સંચયના કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ

મુખ્યમંત્રીના હસ્તે શનિવારે ગાંધીનગરના કોલવડા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો કરવામાં આવે છે. આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સિઝનમાં પાક લેતો થયો છે. આ બધાની સફળતાના પાયામાં પ્રધાનમંત્રીનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન રહેલું છે. તેમણે જણાવ્યું હતું કે આ સુજલામ સુફલામ અભિયાનને પરિણામે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌને પૂરતું પાણી મળતું થશે. આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ. રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જ્વલંત સફળતાને વર્યા છે. વર્ષ 2018થી વર્ષ 2021ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56698 કામો થયા છે. 21 હજાર 402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50 હજાર 353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ચાર વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61 હજાર 781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે. મુખ્યમંત્રીએ ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહ્વાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *