પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે.આદિવાસીઓમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચુલના મેળાનું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ રોજ સાંજે ગામના વડીલો અને સ્ત્રીઓ ભેગા થાય છે. તે જગ્યાએ જઈને ઢોલ નગારા વગાડીને સામૂહિક રીતે નાચ- ગાન કરે છે, ભારે હર્ષોલ્લાસ મનાવે છે. તેમજ દાંડો રોપ્યો હોય તે જગ્યાએ છાણામાં ભેજ કેટલો વળ્યો છે તે પ્રમાણે વર્ષ કેવું જશે તેની આગાહી કરવામાં આવે છે.ઇતિહાસના પ્રોફેસર ડો. ગણેશ નિસરતા જણાવે છે કે, ટીટોડીના ઇંડા ટેકરા ઉપર છે કે નદીના પટ ઉપર છે તેના ઉપરથી બેસતુ ચોમાસુ કેવું જશે તેની આગાહી થાય છે. જો ઈંડા એક જ દિશામાં હોય તો ચોમાસા ના પૂરેપૂરા ચાર મહિના વરસાદ પડશે તે નક્કી થાય છે. જ્યારે આડા-અવળા હોય તો માન્યતા પ્રમાણે વરસાદ પૂરો પડશે કે ઓછો રહેશે તે નક્કી કરવામાં આવે છે, તે મુજબ હોળીમાં પણ આગલું વર્ષ કેવું જશે તે નક્કી કરવાની માન્યતા આદીવાસીઓમાં આજે પણ છે. આ ઉપરાંત બીજી એક પરંપરા એ પણ છે હોળી ઠંડી કરવી અને ચુલના મેળાની. રણીયાર ગામે ધૂળેટીના રોજ આ ચુલનો મેળો ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામા લોકો મેળામાં આવ્યા હતા. દિવસ દરમિયાન બાધા- માનતા લઈને ઉપવાસ કરી, ભીલો આ મેળામાં આવીને પોતાની બાધા પૂર્ણ કરવા મેળાની પરંપરા પ્રમાણે પ્રજ્વલિત અગ્નિ ઉપર ચાલે છે કે જેનાથી કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય.અગાઉ થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને અનેક રોગોથી છુટકારો મળે એવી ખાસ માન્યતા છે. આ માન્યતા આજે પણ અકબંધ જોવા મળે છે. તેમજ આ સમય દરમિયાન ભીલો ખેતી કામ પરવારીને નવરાશ નો સમય ભોગવતા હોવાથી મેળામાં અચૂક રીતે આવે છે અને હોળી બાદ તેઓ પોતાના લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈપણ સારા કામની શરૂઆત કરે છે. તેથી આદિવાસીઓ માટે મેળો અતિ મહત્વનો છે.
