રિપોર્ટર- અંકુર ઋષિ,રાજપીપળા
જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકાર તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો મોટો એવો ખર્ચ બચી જાય છે. મારી પાસે મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ હોવાથી આ યોજના હેઠળ આવવા-જવાનું ભાડા પેટે મને રૂા.૩૦૦ ની સહાય પણ મળે છે. તે બદલ સરકારનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. હિમો ડાયાલીસીસ સેન્ટરના ટેક્નિશિયન અંકુરભાઇ પટેલીયાએ જણાવ્યું હતું કે, કિડનીના દરદીઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ડાયાલીસીસની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે ત્યારે ગુજરાત ડાયાલીસીસ (IKDRC) પ્રોગ્રામ ધ્વારા ડાયાલીસીસની ખુબ જ સારી સેવા ઉપલબ્ધ થયેલી છે. દરદીઓની તંદુરસ્તી જળવાઇ અને ઘર આંગણે જ આ સેવાનો લાભ નર્મદા જિલ્લાના દરેક દરદીઓને મળી રહે તેવા આયોજન હાથ ધરાયાં છે. જેના લીધે જિલ્લાના દરદીઓને જિલ્લા બહાર કે અન્ય જિલ્લામાં જવું પડતું નથી. આ સેન્ટરમાં દરદીઓને જરૂરી સારવાર સમયસર અપાઇ રહી છે. જે ઘણીજ અસરકારક છે અને તેનું રિઝલ્ટ પણ દરદીઓની તંદુરસ્તીમાં જોવા મળે છે.