આણંદ નગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીની પુનઃ નિયુક્તિ ગેરકાયદેસર હોવાથી તેને અટકાવવા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તેમને નિયુક્ત કરવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ આવેદનમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આણંદ પાલિકામાં 19મી માર્ચના રોજ યોજાનારી સભામાં એજન્ડામાં સમાવિષ્ઠ મુદ્દા નં. 8માં આણંદ પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ઇન્ચાર્જ એકાઉન્ટ તરીકે તથા ઓફિસર વિભાગમાં ઇન્ચાર્જ ઓફિસર સુપ્રીટેન્ડેટ તરીકે ફરજ બજાવતા રશ્મિકાંત આગામી 31મી માર્ચ, 2022ના રોજ વયનિવૃત્ત થાય છે. જેમાં પ્રમુખની મૌખિક સુચનાથી તેમની મુદતમાં વધારો કરવા જણાવવામાં આવ્યું છે. સરકારનો પરિપત્ર છે કે નિવૃત્ત કર્મચારીને પુનઃ નિયુક્તિ કરવાના થાય તો રાજ્ય સરકારની જે તે વિભાગની મંજૂરી લેવી પડે અન્યથા આવી નિયુક્તિ કરી શકાય નહીં.આથી આ નિવૃત્ત કર્મચારીઓની પુનઃ નિયુક્તિ પ્રમુખનો મનસ્વી નિર્ણય બની રહે છે. જેનાથી સરકારની તિજોરીને ભારે આર્થિક નુકશાન ન થાય અને પ્રજાના ટેક્સના નાણાનો દુરપયોગ થવાની સંભાવના હોવાથી આ કર્મચારીને તેમની વયનિવૃત્તની 31મી માર્ચ, 2022ના રોજ ફરજ મુક્ત કરવામાં આવે, અન્યથા આવી પ્રવૃત્તિ સામે આંદોલન છેડવામાં આવશે.
