દાહોદમાં સ્માર્ટ સિટીની પાઈપ લાઈનમાં કચરો ભરાતાં પાણી પુરવઠો બંધ, તંત્રે બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની હૈયાધારણા આપી.

Dahod Latest

દાહોદમાં છેલ્લા કેટલાય દિવસોથી ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં જે સ્માર્ટ સિટી અંતર્ગત પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી હતી, તેમાં ભારે કચરો ભરાઇ જતાં જેને પગલે પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં પાણીનો પૂરતો જથ્થો ભરી શકાતો નથી. જેથી ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. જેને પગલે આજે મંગળવારના રોજ પાલિકા તંત્ર, દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સિટી અંતર્ગત કામ કરતી એજન્સીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં આવનારા બે-ત્રણ દિવસમાં સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ લાવી શહેરવાસીઓને રાબેતા મુજબ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે તેમ તંત્રે આશ્વાસન પૂરું પાડ્યું છે.જો કે મોડી સાંજે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાઈ હોવાની સત્તાવાર જાણકારી મળી છે. દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેકવિધ કામકાજ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમાં ખાસ કરીને દાહોદ શહેર વાસીઓને પાણી પુરવઠો રાબેતા મુજબ તેમજ નિયમિત મળી રહે અને ઘણા વિસ્તારોમાં પાણીનો ફોર્સ ન આવતો હોવાની બૂમો ઉઠવા પામી હતી. તેના નિરાકરણ માટે સ્માર્ટ સિટી એજન્સીઓ દ્વારા દાહોદ શહેરમાં પાણીની નવી પાઇપ લાઇન નાંખી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલ પણ આ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ પાણીની પાઈપ લાઈનના જોડાણ દરમિયાન જે ગ્રામ્ય વિસ્તાર અને હાઈવે વિસ્તાર તરફથી જે પાણીની પાઈપલાઈનનું જોડાણ કરવામાં આવ્યું હતું તે પાઇપલાઇનમાં ખૂબ જ કચરો ભરાઇ ગયો છે. તેના કારણે પાણીની મુખ્ય ટાંકીમાં પાણીનો માત્ર 25 થી 30 ટકા જ આવી રહ્યો છે. જેને પગલે દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે અને છેલ્લા ઘણા દિવસોથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.આ બાબતની ગંભીરતા સમજીને દાહોદ પાલીકા દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સિટીની એજન્સી વચ્ચે એક મિટિંગનું આયોજન થયું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર બેથી ત્રણ દિવસની અંદર પાણીની પાઈપલાઈન ચેક કરી તેમાંથી ફસાયેલો કચરો બહાર કાઢી ત્યાર બાદ રાબેતા મુજબ દાહોદ શહેરવાસીઓને પાણી પુરવઠો પહોચતો કરવામાં આવશે. આમ દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકાના સત્તાધીશોએ દાહોદ શહેરવાસીઓને બેથી ત્રણ દિવસની અંદર પાણીનો પૂરવઠો શરૂ કરવામાં આવશે એમ આશ્વાસન આપ્યું છે.ત્યારે પાલિકા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા આ દિવસો દરમિયાન કડાણા યોજનામાથી 20 એમએલડી પાણી આપવાનો નિર્ણય કરાતા વૈકલ્પિક વ્યવસ્થા શક્ય બન્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *