હોળી એટલે આદીવાસીઓનો સૌથી મોટો તહેવાર. આ તહેવારમાં આદીવાસીઓ રોજીરોટી માટે કોઇ પણ જગ્યાએ ગયા હોય પરંતુ હોળીના તહેવાર માટે પોતાના માદરે વતનમાં આવી જતા હોય છે. એટલે જ એક કહેવત છે કે ‘’દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે જ ‘’ પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના આદીવાસીઓ રોજી રોટી મેળવવા રાજયના મોટા શહેર જેવા રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર સહીતના જુદા જુદા શહેરોમાં ગયા હોય છે. ત્યારે હોળી તહેવાર મનાવવા આદીવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતને તહેવાર મનાવવા માટે ખાનગી ટ્રાવેલ્સો સાથે એસટી બસમાં આવતા હોય છે. ગોધરા એસટી વિભાગના નિયામકે જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદીવાસીઓ સહિતના લોકો પોતાના વતન તરફ આવી રહ્યા છે. મુસાફરોને મુશ્કલી ઉભી ન થાય તે માટે એસટી વિભાગે પુર્વ તૈયારી કરી છે. બહારના મોટા શહેરોમાંથી ગોધરા, દાહોદ, બારીઆ, ઝાલોદ, લુણાવાડા સહિતના ડેપો સુધી મુસાફરો લાંબા અંતરની બસો મારફતે શાંતિથી પહોચી જતા હોય છે. પરંતુ ત્યાર બાદ અંતરિયાળ ગામોમાં જવા માટે મુશ્કેલી ઉભી થતી હોય છે.આ મુશ્કેલી ન પડે તે માટે ગોધરા વિભાગના તમામ સાત ડેપો ઉપર 10 બસો સ્ટેન્ડ બાય સ્ટેન્ડ મુકવામાં આવી છે. જેના દ્વારા કોઇ પણ સમયે બહારથી આવતા મુશાફરોને તેમના વતન સુઘી પોહચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને મુસાફરો વેળાસર હોળીના તહેવારમાં વતનમાં પહોચી શકશે.