65.66% વિદ્યાર્થીઓએ અન્યના કહેવાથી સાયન્સ પસંદ કર્યું, તેમાંથી 45% વિદ્યાર્થીઓએ કહ્યું જેની અભ્યાસમાં ખરાબ અસર થઈ.

Anand Latest

વિવિધ શૈક્ષણિક પ્રવાહની વિદ્યાર્થીઓના માનસ અને તેની માન્યતા પર ઘણી અસર થાય છે. ઘણી વખત કોઈ અન્યના કહેવાથી પસંદ કરેલા શૈક્ષણિક પ્રવાહથી વિદ્યાર્થીઓ મૂંઝવણ અને સમસ્યાઓ અનુભવતા હોય છે તો પોતાની પસંદથી નક્કી કરેલ શૈક્ષણિક પ્રવાહમાં તેઓ ખૂબ મન લગાવી ભણતા હોય છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અધ્યાપકના માર્ગદર્શનમાં સરવે કર્યો જેમાં આર્ટ્સના 234 વિદ્યાર્થી, કોમર્સના 176 અને સાયન્સના 201 વિદ્યાર્થી પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી. જેમાં આર્ટ્સના 17% વિદ્યાર્થીએ, કોમર્સના 35% અને સાયન્સના 65.66% વિદ્યાર્થીએ અન્યના કહેવાથી પ્રવાહની પસંદગી કરી હતી. તેમાંથી પણ આર્ટ્સના 8%, કોમર્સના 11% અને સાયન્સના 45.34% વિદ્યાર્થીઓ પોતે પસંદ કરેલા પ્રવાહની નિષેધક અસર અનુભવે છે. સરવેના જે તારણો બહાર આવ્યા તેમાં મુખ્યત્વે આર્ટ્સના 17% વિદ્યાર્થીએ, કોમર્સના 35% અને સાયન્સના 65.66% વિદ્યાર્થીઓએ અન્યના કહેવાથી આ પ્રવાહની પસંદગી કરી. શૈક્ષણિક પ્રવાહને કારણે આર્ટ્સના 11% વિદ્યાર્થીએ, કોમર્સના 25.55% અને સાયન્સના 51.34% વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે. ત્રણેય પ્રવાહના 611 વિદ્યાર્થી પાસેથી સરવે માટે માહિતી મગાઈ હતી, જેમાં આર્ટ્સના 7%, કોમર્સના 14% અને સાયન્સના 38% વિદ્યાર્થીએ કહ્યું કે, પસંદ કરેલ પ્રવાહ ભૂલભરેલો છે. વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમારા માટે શ્રેષ્ઠ પ્રવાહ ક્યો ત્યારે 72.9% એ આર્ટ્સ, 8.3% એ કોમર્સ અને 19.4% એ સાયન્સ જણાવ્યું હતું. જ્યારે 72.9% વિદ્યાર્થીએ સાયન્સ, 13.9% વિદ્યાર્થીએ કોમર્સ અને 13.9% વિદ્યાર્થીએ આર્ટ્સને સૌથી અઘરો પ્રવાહ ગણાવ્યો હતો.

શૈક્ષણિક પ્રવાહ પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓ આટલું યાદ રાખે

  • કોઈપણ શૈક્ષણિક પ્રવાહ સારા કે ખરાબ ધોરણોમાં ન મૂલવો, દરેક પ્રવાહની આગવી ઓળખ છે.
  • તમારી પસંદગીનો પ્રવાહ નક્કી કરો.
  • મંતવ્યો લો પણ ઈચ્છા હોય એ રીતે પ્રવાહ પસંદ કરો.
  • શૈક્ષણિક પ્રવાહ નક્કી કર્યા પછી જો એ પ્રવાહ બદલવો પડે તો ડરવું નહિ.
  • ધ્યેય નક્કી કરો કે જેથી તમે શૈક્ષણિક પ્રવાહને ન્યાય આપી શકો.
  • માતાપિતાએ પોતાના વિચારો બાળકો પર ન થોપવા.
  • કોઈની વાતોમાં આવી કોઈ પ્રવાહ વિશે નિષેધક વલણો વિકસાવવા નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *