ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવમાં ત્રણગણા વધારા સાથે ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લીંબુની માગ માત્ર ગુજરાતમાં જ નહીં પડોશી રાજ્યોમાં પણ વધી છે ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાને પહોંચવા સાથે છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. આને લઈને લીંબુના વેચાણમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોના શરીરમાં ગ્લૂકોઝની કમી સર્જાતી હોય છે. પરંતુ લીંબુ પાણી પીવાથી શરીરમાં તંદુરસ્તી રહે છે. લીંબુમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું વિટામીન સી હોવાથી ઉનાળામાં તેની માગમાં વધારો જોવા મળે છે. સામાન્ય દિવસોમાં 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 40થી 50 હોય છે. પરંતુ અત્યારે તે રૂપિયા 120થી 140માં વેચાય છે. ઉનાળાના સમયમાં લોકો વધારે લીંબુ પાણી પીતા હોય છે. જેને લઇને દર વર્ષે ઉનાળો આવતા લીંબુના ભાવમાં વધારો થતો હોય છે. લીંબુ શરીરને વીટામીન સીની સાથે જરૂરી એનર્જી પૂરી પાડે છે. લીંબુના સેવનથી લોબીપી થતું અટકે છે. અને શરીરને પણ જરૂરી શક્તિ મળી રહે છે. કોરોના મહામારી શરૂ થઈ હતી ત્યારથી ડોક્ટરો લોકોને ઇન્ફેક્શનથી બચવા માટે વધારે પ્રમાણમાં લીંબુનું શરબત પીવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળામાં લીંબુનું પાણી પણ મનપસંદ બની જાય છે. આ બધા કારણે લીંબુની માંગમાં વધારો થાય છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ ઓછી માત્રામાં છે અને લીંબુની માગ વધારે છે. પાવીજેતપુરના વેપારી એ જણાવ્યું હતું અને હોલસેલ માર્કેટમાંથી 90થી 100ના ભાવે અમે ખરીદીએ છીએ. ગ્રાહકો વધારે ભાવને લઇને ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ અમે લાચાર છીએ. લીંબુની માગ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ વધી છે. આમ લીંબુના ભાવ આસમાને પહોંચતા લોકોના બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.