દાહોદમાં રવિવારે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઢોલ મેળામાં પારંપરિક વાધ્યો સાથે ઉમટી પડેલા 200થી વધુ ઢોલીડાં મન મૂકીને ઝૂમ્યા હતા. દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિઓની છે. જેઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. હોળીની સાથે જેમ રંગોનો નાતો છે તેમ આ દિવસોમાં દાહોદ જિલ્લામાં આદિવાસીઓની હોળી અને ઢોલનો પણ એકબીજાના પર્યાય છે. આદિવાસી પ્રજાની હોળીની ઉજવણીમાં ઢોલના ઢબૂકતાન સંભળાય તો તે હોળી મોળી બની જાય છે. આ પરંપરાને જીવંત રાખવા માટે છેલ્લા કેટલાંક વર્ષોથી ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરાય છે. આ વખતે પણ 13 માર્ચના રોજ દાહોદના આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર પારંપરિક ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
