વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે, સાંજે ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે (12 માર્ચ) નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરશે. જેના પગલે સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ પહેલા પીએમ મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે. PM રાજ્યભવનથી નીકળી એરપોર્ટ સર્કલ, શાહીબાગ ડફનાળા, રિવરફ્રન્ટ, વાડજ સર્કલ, સરદાર પટેલ સ્ટેચ્યુથી સરદાર પટેલ સ્ટેડિયમ ગેટ નં-6એ પહોંચશે. કાર્યક્રમમાં આવનાર લોકોએ સ્ટેડિયમથી અડધા કિલોમીટરથી લઇ અને એક થીબે કિલોમીટર ચાલીને આવવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમમાં આવનારા VVIP અને બસોના પાર્કિગ માટેના સ્થળ નક્કી કરી દેવામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલા ડ્રોપ સ્થળેથી લોકોએ ચાલીને સ્ટેડિયમમાં પહોંચવાનું રહેશે.
ખેલ મહાકુંભમાં 50 હજારથી વધુ લોકો આવશે
ખેલ મહાકુંભના કાર્યક્રમમાં આશરે 50 હજારથી વધુ લોકો હાજરી આપવાના છે. શહેરના વિવિધ વોર્ડમાંથી હજારો લોકો અને અન્ય શહેરોમાંથી પણ લોકો આવનાર છે. 300થી વધુ AMTS બસોમાં વિવિધ વોર્ડમાંથી આવનારા લોકોને ક્યાં સ્થળે ઉતારવા અને તેઓની બસના પાર્કિગ સ્થળો નક્કી કરી દેવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમથી બે કિલોમીટર દૂર વાહન પાર્કિંગ સ્થળ નક્કી કરાયા છે. હેલ્મેટ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ અને VVIP માટે નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર વાહન પાર્કિંગના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમથી બંને તરફ અડધા કિલોમીટર સુધીનો રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. કોમર્સ છ રસ્તા, મેમનગર ફાયર સ્ટેશન અને નવરંગ સ્કૂલ આ તમામ ડ્રોપ સ્થળેથી લોકોએ ચાલીને સ્ટેડિયમ સુધી પહોંચવાનું રહેશે.
1.75 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિ અને 75 હજાર કાર્યકર્તા હાજર રહેશે
સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકા તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ બે લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. 1.75 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાકીના 75 હજાર જેટલા કાર્યકર્તાઓએ એમ કુલ બે લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.