રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ
શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી તુલસીરામ ઠક્કર તેમજ એ ટીડીઓ તેજસ પટેલ અને કિરણ ભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના તલાટીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવા જઈ રહયુ હોય એમાં સરપંચ અને વોર્ડના સભ્યો ને આ સંમેલનમાં લઈ જવાના હોવાથી આ અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પંચાયત મહાસંમેલનમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 80 ગ્રામ પંચાયતના સરપંચો , 490 જેટલા વોર્ડ સભ્યો સાથે તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો જનાર હોય ત્યારે 12 જેટલી એસટી બસો ફાળવવામાં આવવા સાથે વિવિધ રૂટો પણ નક્કી કરવા સહિત તાલુકા પંચાયતના સ્ટાફ તેમજ તલાટીઓને આની જવાબદારી સોપવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના નીચેના સ્ટાફ તેમજ તલાટીઓને જરૂરી સૂચનો આપવા સાથે સરપંચ અને વોર્ડના સભ્યોની કોઈ તકલીફ આ મહાસંમેલનમાં જવા માટે પડે નહીં તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પંચાયત મહાસંમેલનને સફળ બનાવવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સાથે સરપંચોને લાવા અને ઘર સુધી મૂકવા સાથે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.