તાજેતરમાં કોરોનાના વધતા વ્યાપની સાથે ભારતે રસીકરણ જુંબેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્યારે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડો. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર 12 થી 14 વર્ષના બાળકો માટે પણ માર્ચ મહિનાથી રસીકરણ કરી દેવામાં આવશે. હજી સુધી પીડીયાટ્રીક્સ એસોશિયેશન ઓફ ઇન્ડીયા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ અત્યારે બાળકોમાં કોરોનાના સંક્રમણને લઈને પણ ગંભીર પરિસ્થિતિ છે.બાળરોગ નિષ્ણાત ડો. રીદ્ધીશ લાણીયાના જણાવ્યા અનુસાર અત્યારે બાળકોમાં વધારે પ્રમાણમાં સાદા તાવના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.
મોટાભાગના બાળકોને સંક્રમણ એટલે થઇ રહ્યું છે કારણકે તેમના પરિવારમાં પણ કોઈ વ્યક્તિ સંક્રમિત છે. પરિવારના સભ્યોમાંથી એક પણ વ્યક્તિ સંક્રમિત હોવાના લીધે બાળકોને જલ્દી તેનો ચેપ લાગી જાય છે. અત્યારે બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડતા નથી.હાલના સમયમાં મોટાભાગના બાળકોને શરદી, ખાંસી અને તાવ જોવા મળી રહ્યો છે. બાળરોગ નિષ્ણાતો દ્વારા તેની દવા આપવામાં આવે છે અને 5 થી 6 દિવસમાં બાળકની બીમારી એકદમ સારી થઇ જાય છે. એકસમય હતો જયારે બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના ઘણા બધા દર્દીઓ જોવા મળતા હતા. બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના દર્દીઓમાં હદય, ફેફસા, કીડની, મગજ, આંખો, ચામડી અને પાચનતંત્રના અંગોમાં ખુબ નુકસાન થતું હતું.
ત્રીજી લહેરમાં મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના કોઈ કિસ્સાઓ બાળકોમાં જોવા મળી રહ્યા નથી.બાળકોમાં અત્યારે કોરોના પાચનતંત્રને પણ નુકસાન કરતો જોવા મળી રહ્યો છે. જેના લીધે ઝાડા અને ઉલટીના પણ કેસ જોવા મળે છે. બાળકોનું ધ્યાન રાખવા માટે અત્યારે તેમને ઘરની બહાર બિલકુલ નીકળવા ન દેવા જોઇએ તથા સાફ સફાઈ નું ખુબ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને સંક્રમણ ખુબ ઝડપથી થાય છે એ સાચું છે તો સાથે એ પણ સત્ય છે કે જાણે અજાણે બાળકોમાંથી સંક્રમણનો ફેલાવ પણ ખુબ આસાનીથી થાય છે. અત્યારે બાળરોગ નિષ્ણાતો કેસની સંખ્યાને લઈને અને સાથે લોકોની લાપરવાહીને લઈને ચિંતામાં છે. કુદકે ને ભૂસકે વધી રહેલા સંક્રમની વચ્ચે બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે.