આ વખતે ટ્રેન ઓછી હોવાથી અન્ય રાજ્યોમાં જવા માટેની ખાનગી બસ માટે પણ ભારે ધસારો છે. અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે. આ અંગે એક પ્રાઇવેટ બસ ઓપરેટરે જણાવ્યું કે, ‘ગત વર્ષે દિવાળીમાં બૂકિંગનું પ્રમાણ સાધારણ હતું અને જે લોકો વતન જવા માગતા હતા તેઓ જ વધારે હતા. જેની સરખામણીએ આ વખતે ફરવા જનારાનું પ્રમાણ પણ વધારે છે. એરફેર ખૂબ જ ઊંચે છે અને ટ્રેનના વિકલ્પ ખૂબ જ ઓછા છે. આ સ્થિતિમાં અનેક લોકો ખાનગી બસ તરફ પસંદગી ઉતારી રહ્યા છે.
ત્યારે અમદાવાદથી જુનાગઢ, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે. દિવાળી અગાઉ અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટની ખાનગી બસનું ભાડું સામાન્ય દિવસોમાં રૃપિયા 500ની આસપાસ હોય છે. અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ ભાવનગરની છે. જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ભાવનગરનું ભાડું રૂપિયા 500ની આસપાસ હોય છે.