કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.સુરતમાં ભારતના સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદઉપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.