રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
જિલ્લા અધ્યક્ષ, મહામંત્રીની અધ્યક્ષતામાં ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી તાલુકા સંગઠનના હોદ્દેદારો જોડાયા
સદસ્યતા અભિયાન, કોવીડ આર્મી, રાશન કીટ વિતરણ, સેવાકાર્ય સહિત વહિવટી પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું
દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. જેમાં તાલુકા શૈક્ષિક સંઘના વિવિધ સંવર્ગના હોદ્દેદારો જોડાયા હતા.
જિલ્લા મહામંત્રી નિતેશભાઇ પટેલ દ્વારા સમગ્ર બેઠકનું વૃત લેવામાં આવ્યું હતું. આગામી જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લામાં સદસ્યતા અભિયાન હાથ ધરાનાર છે. તેમાં તાલુકા દીઠ અપેક્ષિત સદસ્ય સંખ્યાના લક્ષ્યાંક લેવાયા હતા. તે મુજબ દસ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો અપેક્ષિત રીતે જિલ્લા શૈક્ષિક સંઘ સાથે જોડાય તે મુજબ સવિસ્તાર આયોજન કરાયું હતું. રાજ્ય કારોબારી સરદારસિંહ મછાર દ્વારા જિલ્લાના દરેક પગારકેન્દ્ર વાઇસ વાલી તરીકે તાલુકાના હોદ્દેદારો સહિત જિલ્લા તથા રાજ્ય કારોબારીના હોદ્દેદારોને જવાબદારી સોંપી સદસ્યતા અભિયાનમાં નક્કર પરિણામ મળે તે દિશામાં કાર્ય કરવાની હાકલ કરી હતી.
વધુમાં રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત કોવિડ આર્મીમાં દાહોદ જિલ્લામાંથી ૫૬ જેટલા કાર્યકર્તાઓએ શૈક્ષિક સંઘની ગુગલ લિંકથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું મહામંત્રી નિતેશભાઈએ જણાવ્યું હતું.
જિલ્લા અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર એ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ સહિતના વિવિધ વહિવટી પ્રશ્નો અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.