રાજ્યના 26 વિભાગો કે જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હોય અને શરૂઆતથી વિવાદમાં રહેલી હોય તેવી યોજનાઓને હાલ હોલ્ડ પર રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. વિવિધ વિભાગના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટનું લિસ્ટ બનાવી અને તેની કેબિનેટના મંત્રીઓ સાથે મળીને સમીક્ષા કરે.
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ઝડપથી વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રાજ્યની અગાઉની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે.જેમાં જે યોજના નવી અને લોકભોગ્ય હશે તો તેને આગળ ધપાવવામાં આવશે. અથવા તો બિનજરૂરી હશે તેને પડતી મુકી દેવાશે. જો કે કેન્દ્ર સાથે સંલગ્ન હશે તેવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે જ બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની પણ સમીક્ષા કરાય તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગોની નવી પાંચ પોલિસી લાવી રહી છે.ગુજરાતની અગાઉની સરાકારે જે નિર્ણયો લીધા હતાં તે તમામની સમીક્ષા હાથ ધરાશે. આ પ્રોજેક્ટ રદ થવાના નથી પરંતુ તેમાં ફેરફારો થઇ શકે છે. રાજ્યના કૃષિ વિભાગમાં સરકારી પડતર અને ખરાબાની જમીન ઉદ્યોગ જૂથોને આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સ્થગિત કરવામાં આવી શકે તેવી સંભાવના છે.કારણ કે તેમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં બનાવેલી પોલિસીમાં પણ ફેરફારો કરવા માગે છે.