અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ લોકો ઈકો કાર લઈને આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કાર ચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.આ અકસ્માતમાં 4 વ્યક્તિને કાળ ભરખી ગયો છે. જ્યારે કારચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાને પગલે ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.