તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા સઈદ ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, કાર્યકારી આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ અનેક ડઝન આત્મઘાતી હુમલાખોરોના પરિવારજનોને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, હક્કાનીએ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ફાઈટર્સને ‘શહીદ અને ફિદાયીન’ ગણાવીને તેમની પ્રશંસા કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યાને હજુ 2 મહિના જ થયા છે. અને તેણે પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને આત્મઘાતી હુમલાખોરોના પરિવારજનોને જમીન આપવાની જાહેરાત કરી છે. આ આત્મઘાતી હુમલાખોરો એ છે કે જેમણે અમેરિકી અને અફઘાની સૈનિકો પર હુમલા કર્યા હતા. એટલું જ નહીં, તાલિબાને આ આત્મઘાતી હુમલાખોરોને ઈસ્લામ અને પોતાના દેશ માટે ‘હીરો’ પણ ગણાવ્યા છે. સોમવારે એક કાર્યક્રમ દરમિયાન હક્કાનીએ હુમલાખોરોના પરિવારજનોની મુલાકાત લીધી હતી, તેમને 10 હજાર અફઘાની (112 ડોલર) આપ્યા. અને જમીન આપવાનું વચન પણ આપ્યું.