કુશીનગર એક આતંરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે. જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું. જેમાં 100થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે કુશીનગર દુનિયા સાથે જોડાઈ ગયું છે. સૌના સહકારથી બધાનો વિકાસ થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, એરપોર્ટના કારણે ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં મળે, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. રોજગારના નવા અવસર મળશે. આગામી 3-4 વર્ષમાં દેશમાં 200 કરતા વધારે એરપોર્ટ, સીપૌડનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયત્ન છે. વિભિન્ન વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસનું પણ આયોજન છે. વડાપ્રધાન મોદી કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં ‘અભિધમ્મ દિવસ’ પર આયોજિત એક સમારંભમાં પણ ભાગ લેશે.