મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે. તેના માટે તત્કાલ વ્યવસ્થા શરૂ કરવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરધામી સાથે સતત ટેલીફોનીક સંપર્ક શરૂ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે, આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી સાથે ત્યાં ફસાયેલા ગુજરાતીઓ માટે જરૂરી મદદ સહાય માટે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
ગૌરીકુંજથી 5 કિમી પહેલાં ફાંટા પાસે રસ્તા પર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતીઓને જરૂરી મદદ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. 079 23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુઓની વિગત મેળવી શકાશે.હાલમાં ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત છે. જ્યારે કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. જે લોકો ખાનગી વાહનો લઈને ગયાં હતાં. તે લોકો રસ્તામાં ફસાઈ ગયાં છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યાંના પ્રશાસન સાથે વાતચીત કરીને જરૂરી સહાય પહોંચાડવા વિનંતી કરી છે. હાલમાં ઉત્તરાખંડમાં 100 જેટલા લોકો ફસાઈ ગયાં છે. જેમાં છ લોકો કેદારનાથ પાસે સલામત છે. જેમને હાલ નીચે લાવી શકાય તેમ નથી. તેમને હવામાન યોગ્ય થયા બાદ હેલિકોપ્ટરથી નીચે લાવવામાં આવશે.