ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. અહેમદ પટેલના નિધન બાદ હાઈકમાન્ડમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારૂ હવે કોઈ રહ્યું નથી.કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનના ઠેકાણાં નથી. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. આ નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળવાનો પણ સમય આપતાં ના હોવાથી તેઓ ધક્કો ખાઈને ગુજરાત પરત ફરી રહ્યા છે. દિલ્હીમાં હાલમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ ચાલી રહી છે. આ મીટિંગમાં ગુજરાતમાં નેતાઓ વિહોણી કોંગ્રેસના નવા નેતાઓની ચર્ચાઓ થવાની છે. પરંતુ અહેમદ પટેલના નિધન બાદ હવે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓનું વજન પડતું બંધ થઈ ગયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની સાથે સાથે કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા હતાં. ગુજરાત કોંગ્રેસના તેઓ સંકટ મોચક હતાં.
પરંતુ તેમના નિધન બાદ તેમના જેટલો રાજકીય કદ ધરાવતો ગુજરાતનો એક પણ નેતા દિલ્હીમાં નથી. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ જાણે સાવ સુની થઈ ગઈ છે.કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં પ્રમુખ સોનિયા ગાંધી સહિત 20 સભ્યો છે. જેમાં, કાયમી આમંત્રિતોની સંખ્યા 24 છે, જ્યારે વિશેષ આમંત્રિતોની સંખ્યા 9 છે. કાર્યકારી સમિતિના સભ્યોમાં સોનિયા ગાંધી, ડો. મનમોહન સિંહ, રાહુલ ગાંધી, એકે એન્ટોની, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, ગાયખિંગમ, ગુલામ નબી આઝાદ, હરીશ રાવત, ભંવર જીતેન્દ્ર સિંહ, કે.સી વેણુગોપાલનો સમાવેશ થાય છે, મલિકાર્જુન ખડગે, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુવીર સિંહ મીના અને તારિક અનવર સામેલ છે. આ યાદીમાં કાયમી આમંત્રિતમાં ગુજરાતમાંથી માત્ર શક્તિસિંહ ગોહિલનું જ નામ છે. અહેમદ પટેલ પક્ષમાં લોકોના જો કોઇ મતભેદ હોય તો એ દૂર કરવા માટે ટ્રબલશૂટરની જેમ કામ કરતા. તેમની પર દરેક વ્યક્તિને ખૂબ વિશ્વાસ રહેતો. નાની વસ્તુનું ધ્યાન રાખે, ઇવેન્ટ મેનેજમેન્ટ ખૂબ સારું, ચૂંટણીઓનું વ્યવસ્થાપન ખૂબ સારું રહેતું. તેઓ હંમેશાં બેકડોર કામ કરીને પાર્ટીની ચિંતા કરતા. પાર્ટીના કોઇપણ કામ કે કાર્યક્રમ માટે લોકોની, લોજિસ્ટિકની વ્યવસ્થા કરવી, ફંડ લાવવું વગેરે તેઓ કામ કરતા અને ક્યારેક પ્રશંસા ન મળે તોપણ ક્યારેય તેઓ તેની પરવા ન કરતા. તેઓ એક એવો ખભો હતા કે જ્યાં માથું મૂકીને આખા દેશના અને ખાસ તો ગુજરાતના કોંગ્રેસના નેતાઓ રોઇ શકતા અને ત્યાં જ તેમને સમાધાન પણ મળતું. અહેમદભાઇ દિલ્હીમાં રહીને આખો દેશ જોતા.