રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે આમોદ મામલતદારને આવેદનપત્ર
સોશિયલ મીડિયામાં ખોટી માહિતી મૂકી પત્રકારો તેમજ પોલીસની બદનામી થાય તેવી ફેસબુક પર પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આમોદના પત્રકરોએ નાયબ મામલતદાર તેમજ પોલીસ મથકે આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
વર્તમાન સમયમાં કોરોના (કોવિડ -૧૯) મહામારી વચ્ચે પત્રકારો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે ત્યારે ભારત દેશના વડાપ્રધાને પણ પત્રકારોને ‘કોરોના વોરિયર્સ’ કહી સમાજમાં પત્રકરોને સન્માન કરી ચુક્યા છે ત્યારે આમોદના ગાંધીચોક ખાતે રહેતા મૈલેશ મોદી નામના ઇસમે તેના ફેસબુક એકાઉન્ટ ઉપર વાહિયાત પોસ્ટ મૂકી દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો તેમજ ૧૮ કલાક ફરજ બજાવી રહેલા પોલીસ વિરુધ્ધ તેમનો ઉત્સાહ તૂટે તેવી પોસ્ટ મૂકી ખોટી અફવા ફેલાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં બે ચાર દિવસ પહેલા ભરૂચ એલસીબી પોલીસે રેડ કરી ત્યારે જુગારમાં કોઈ તથ્ય ના મળતા આમોદ પોલીસ મથકે જુગારની કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી. જેથી આમોદના પત્રકરોએ આવા તથ્યહીન જુગારના કોઈ સમાચાર પ્રસારિત કર્યા નહોતા. જે બાબતે આમોદના મૈલેશ મોદી નામના ઇસમે આમોદના પત્રકારો તેમજ પોલીસનો ઉત્સાહ તૂટે તેવી પોસ્ટ મુકતા પત્રકાર આલમમાં તેની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો.અને આમોદ નાયબ મામલતદાર તેમજ આમોદ પોલીસ મથકે પત્રકરોએ મૈલેશ મોદી સામે ખોટી અફવા ફેલાવવા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. આમોદ પોલીસે મૈલેશ મોદી સામે પત્રકારો તેમજ પોલીસ બદનામ થાય તેવી ખોટી અફવા ફેલાવવા બદલ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.