૬ વર્ષ પહેલા રાજુ ભટ્ટની કમિટીએ મંદિરનું ચાંદી ઓગાળવા આપ્યુ હતુ અને તેમાં લાખો રૃપિયાની ચાંદી ગાયબ થઇ ગયાના આરોપ પણ છે. ત્યારબાદ રાજુ ભટ્ટનુ નામ બળાત્કાર કેસમાં આવતા રાજુ ભટ્ટે સેક્રેટરી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. પરંતુ ટ્રસ્ટી તરીકે તે યથાવત હતો. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા પણ તેને હટાવવામાં નહી આવતા દેશ વિદેશમાં કરોડો ભક્તોની લાગણી દુભાઇ હતી. અને રાજુને હટાવવા અનેક રજૂઆતો થઇ હતી. એક બળાત્કારનો આરોપી મહાકાળી માતાજી મંદિરનો ટ્રસ્ટી હોવાની વાતથી ટ્રસ્ટની શાખ પણ જોખમમાં મુકાઇ હતી.
હાઇપ્રોફાઇલ રેપ કેસના આરોપી એવા રાજુ ભટ્ટની આખરે પાવાગઢ મહાકાળી માતા મંદિર ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજુ ભટ્ટ સામે રેપની ફરિયાદ નોંધાઇ ત્યારથી જ તેને ટ્રસ્ટમાંથી હટાવવા ભારે માગ ઉઠી હતી પરંતુ તેને હટાવવામાં આવતો ન હતો. જો કે આ મામલે ટ્રસ્ટની ભારે બદનામી થતા ટ્રસ્ટી મંડળે રાજુને હટાવવા નિર્ણય લીધો છે.અગાઉ ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ એટલે કે સુરેન્દ્ર કાકા (ઔડાના પૂર્વ ચેરમેન તથા ગુજરાત ભાજપાના પૂર્વ ખજાનચી) એવી વાત કરતા હતા કે ‘રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે ગુનો પુરવાર થયો નથી એટલે તેને ટ્રસ્ટી તરીકે હટાવવામાં આવશે નહી’ દરમિયાન રાજુ ભટ્ટ પકડાઇ ગયો અને તેણે યુવતિ સાથે સહસયન કર્યુ હોવાની કબુલાત પણ કરી લીધી છે. એટલે આ અંગે સુરેન્દ્ર કાકા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ‘રાજુ ભટ્ટને હટાવવાનો ટ્રસ્ટે નિર્ણય લઇ લીધો છે. નવરાત્રી દરમિયાન બોર્ડ મીટિંગ મળવાની છે ત્યારે ઠરાવ કરી દેવામાં આવશે.’ભારે વિરોધના પગલે આખરે ટ્રસ્ટી મંડળે રાજુ ભટ્ટને હટાવવાની ફરજ પડી છે.