રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૨ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ.
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ પાંચ દર્દીઓને આજ શનિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે સાત દર્દીઓને રજા અપાયા બાદના આજે પાંચને રજા અપાતા છેલ્લા બે દિવસમાં કુલ બાર દર્દીઓને રજા અપાઇ છે. હવે માત્ર બે જ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા અને બાદમાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે નવી માર્ગદર્શિકા આપી છે. જેમાં કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ ૧૦ દિવસ સુધી રોગના કોઇ પણ લક્ષણ ના દેખાય તો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી સેલ્ફ ક્વોરોન્ટાઇન થવાનું રહેશે. દાહોદમાં કુલ એક્ટિવ ૧૪ કેસો પૈકી 7 દર્દીઓને ગુરુવારે ૧૦ દિવસ વીતી ગયા બાદ પણ જો કોરોના વાયરસના એક પણ લક્ષણ દેખાયા નહોતા. આથી, તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બાદમાં આજે વધુ પાંચ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હવે માત્ર બે જ દર્દીઓ દાહોદમાં સારવાર હેઠળ છે.