આગામી 24 કલાકમાં ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો, ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી…

Latest

આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાત- ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતાં વધી હતી, જેને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓનો વાહનવ્યવહાર બંઘ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજ્યના 57 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. જે આવતીકાલે 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું શાહીન બની જશે અને ત્યાંથી કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે. શાહીન ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે, સાથે સાથે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *