રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
આમોદના વણકરવાસમાં એક નિવૃત્ત શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી સીલ કરવામાં આવ્યો હતો. તેમજ કોઈ બહાર ન નીકળે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ગુરુકુળ આમોદ ખાતે ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તો કેટલાક પરિવારોને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેથી કોરોના વાયરસની સંક્રમણની સંભાવનાને ધ્યાને લઇ સમગ્ર વિસ્તરમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમજ આવશ્યક ચીજવસુઓ પણ તંત્ર દ્વારા તેમને ઘરે જ પહોંચાડવાની વ્યવસ્થા આમોદ પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે કોઈ બહાર ન નીકળે માટે આમોદ પાલિસે કન્ટેઇનમેન્ટ એરિયામાં ત્રણ સીસીટીવી કેમેરાથી સમગ્ર વિસ્તારને કેદ કરી લીધો હતો.
આમોદના વણકરવાસ વિસ્તારમાં કોરોના કેસ મળતા તેને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી સમગ્ર વિસ્તારને આમોદ પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે. ત્યારે વિસ્તારના રહીશોને કોઈ તકલીફ ન પડે તે માટે આર.એસ.એસ તરફથી રાશન કીટ તેમજ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે લીંબુની વહેંચણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા તરફથી પણ રાશન કીટ આપવામાં આવી હતી.
આમોદ નગરપાલિકા દ્વારા આમલીપુરા અને વણકરવાસના તમામ જાહેર નાના-મોટા રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી.