કેશોદ શહેરનાં ચાર ચોકમાં વર્ષો સુધી અડીખમ ઉભો રહેલો ટાવર હવે સંભારણું બની રહેશે.

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદ શહેરમાં ત્રણ તરફ રહેલી ઘડિયાળ વાળો ટાવર દશ ગાઉં સાદ પાડતો અદભુત કારીગીરીનો બોલતો પુરાવો સ્મૃતિ બની જશે.

કેશોદ શહેર સાથે ગૌરવપ્રદ ઐતિહાસિક કિસ્સાઓ જોડાયાં છે. જે આધુનિકતાની હરણફાળ પ્રગતિમાં જાળવણી કરવાને બદલે અસ્ત તરફ ધકેલાઈ જતાં આવનારી પેઢી માટે સંભારણું અને હયાત પેઢી માટે સ્મૃતિ બની જશે. કેશોદ નગર પંચાયત અસ્તિત્વમાં આવ્યાં બાદ કેશોદના ચાર ચોક વિસ્તારમાં ટાઉન હોલ અને ટાવર બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું.એ સમયે રેતી સીમેન્ટ અને લોખંડના ઉપયોગથી બાંધકામ સરકારી કામો જ થતાં ભાગ્યેજ કોઈ માલેતુજાર વ્યક્તિ અંગત ઉપયોગમાં આવું બાંધકામ કરતાં હતાં. કેશોદ શહેરમાં લગભગ ૧૯૭૫ માં આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ત્રણ તરફ ઘડીયાળ વાળો ટાવર બાંધવામાં આવ્યો હતો. જેનાં તમામ પાર્ટસ શુધ્ધ તાંબાના હતાં.અને કલાકે અને અડધા કલાકે વાગતાં ટકોરા દશ ગાઉં સુધી સંભળાતાં હતાં. સામાન્ય રીતે ચાર તરફ ઘડીયાળ વાળાં ટાવર હોય છે.કેશોદ શહેરની મધ્યે ચાર રસ્તા હોવાના કારણે ચાર ચોક તરીકે ઓળખાય છે.પરંતુ ઘડિયાળ ત્રણ જ હતી. જે ભાગ્યે જ જોવા મળે અને પૌરાણિક કારીગીરીનો આબેહૂબ નમુનો હતો. આઝાદીનો નશો ઉતરવાની સાથે પેઢી બદલાતાં કાર્યપધ્ધતિની સાથે સાથે કાર્યપ્રણાલી બદલતાં વૃત્તિ આપોઆપ બદલાઈ જવાની સાથે કેશોદ નગર પંચાયતમાંથી નગરપાલિકા બની ગઈ અને ધરોહરની જાળવણી કરવાને બદલે આધુનિકતાની હરણફાળ પ્રગતિમાં ટાઉનહોલ ધરાશયી થઈ નગરપાલિકા કચેરીમાં પરિવર્તિત થયો. કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓને પેકેજ ઓફર કરનારાં સમૃદ્ધ વેપારી દ્વારા ત્રણ ઘડિયાળની કારીગીરી પેટર્ન બનાવવા રીપેરીંગના રૂપકડાં બહાને ઢસડી ગયો ત્યારે ખાલીખમ પડેલા ટાવર બિલ્ડીંગ અંદરથી વ્યથામાં ખોખલું થઈ જતાં જર્જરિત જાહેર કરી કેશોદ નગરપાલિકા સત્તાધિશોએ ઈમલો ઉતારવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે. કેશોદ શહેરમાં ચાર ચોક વચ્ચે અડીખમ ઉભો રહેલો ટાવર હવે પોતાનું અસ્તિત્વ ગુમાવી સંભારણું બની રહેશે. કેશોદના જે શહેરીજનો એ ટકોરા સાંભળ્યા છે. તેઓને સ્મૃતિ સ્વરૂપે એક પેઢી સચવાશે અને કેશોદના ઘરેણા સમાન પૌરાણિક ટાવરનો અસ્થ થવાના એંધાણે વૃદ્ધો દુખ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *