રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે 50 થી વધુ સ્થળે પાર્વતી પુત્ર ગણેશજીની વાજતે-ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા શ્રીફળ વધેરી ને શુભ મુહૂર્તમા ગણેશ વિસર્જનની શરૂઆત કરાઈ હતી.
ગણપતિ બાપા મોરિયા ના નાંદ વચ્ચે વિવિધ વિસ્તારમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા નીકળી હતી. અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલના તાલ સાથે ગણેશ ભક્તો ઝુમતા નજરે પડી રહ્યા હતા.ગોધરા શહેરમાં લાલબાગ ટેકરી,એસઆરપી ગ્રુપ સામે,સમ્રાટ નગર,રોટરી સ્કુલ સામે કૃત્રિમ તળાવોમા ગણેશ મંડળો દ્વારા નાના મોટી 100થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ સહિતનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. શહેરમાં વર્ષો જુના પરંપરાગત રૂટ પરથી આ વખતે શ્રીજીની શોભાયાત્રા નીકળવા ને બદલે ગણેશ મંડળો દ્વારા સાત જેટલા કુત્રીમ તળાવોમાં દાદાની મુર્તિ નું વિસર્જન કરવાનો વારો આવ્યો હતો. ગણેશ વિસર્જન દરમિયાન જિલ્લા પોલીસ વડા લીના પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. સાથે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવતા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતુ. ગોધરા શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે પોલીસતંત્ર દ્વારા સાત ડી.વાય.એસ.પી,૩૦ પી.આઈ ૭૭ પી.એસ.આઈ ,૧૦૦૦ પોલીસકર્મી,એસ.આર.પી.ની ચાર કંપની,એક કંપની રેપીડ એકશન ફોર્સ ,૧૪૦૦ જેટલા હોમગાર્ડ જવાનો,૩૪૦ જેટલા જી.આર.ડી જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગણેશ વિસર્જનને જોતા પ્રજાજનો પણ બે ઘડી વિચારમાં પડી ગયા હતા..
ગોધરામાં ગણેશ વિસર્જન હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે લાલબાગ ખાતે આવેલા મુખ્ય બસ સ્ટેશનને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવ્યુ હતુ. ગણેશ વિસર્જનના સમય દરમિયાન ભુરાવાવ ખાતેથી બસોની અવર જવર ચાલુ રહી હતી. જેના કારણે અનેક મુસાફરોને બસની મુસાફરી કરવા માટે ભુરાવાવ ચોકડી ખાતે જવાની નોબત આવી હતી.