ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે.નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મીટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઉદભવેલી ઈમર્જન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.