ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને લઘુતમ 25.2 ડીગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ વરસાદની હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ 12.30 વાગ્યે જશે.