રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટના વિરામ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.વડોદરા શહેરમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 11 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના એમ.જી.રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ, પાણીગેટ રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, સુભાનપુરા અને ગોત્રી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોયાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત અટલાદરા વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો. અને લોકોને પાણીમાંથી અવર જવર કરવાની ફરજ પડી હતી.છેલ્લા 24 કલાકમાં વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છેલ્લા 4થી વધુ દિવસથી બરાબર જામ્યું છે. સુરત શહેરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે.અને વિયરકમ કોઝ-વેની સપાટી 6 મીટરને પાર કરી ગઈ છે. કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.